બે વર્ષ પર સુવૃત્તતિલકમ્ ગ્રન્થના અભ્યાસથી પુનઃ જાગૃત થયેલ છંદોબદ્ધ કાવ્યો પ્રત્યે અહોભાવ, સુજલા-સુફલા ભૂમિ ભારતવર્ષમાં વર્ષાઋતુનો ઘનશ્યામ-હરિત વૈભવ, ભક્તિભીનાં ઉત્સવોનું આગમન, એ પર રાગ મલ્હારમાં સુસજ્જ અનેક ગીતો મ્યુઝિક એપ પર સાંભળતા જામેલો રંગ.
છન્દપરિચય -
આ કાવ્ય એક સિંહનો ચાલ સમો લહેકો ધરાવતા કર્ણપ્રિય શાર્દુલવિક્રીડિત છંદમાં રચાયો છે.
અક્ષરમેળ છંદ એવા શાર્દુલવિક્રીડિતનું બંધારણ છે -
દરેક પંક્તિમાં મ સ જ સ | ત ત ગા
અર્થાત્, ૧૯ અક્ષર, જેમાં યતિ (વિરામ) ૧૨મા અક્ષરે; જેથી,
ગુરુ ગુરુ ગુરુ લઘુ લઘુ ગુરુ લઘુ ગુરુ લઘુ લઘુ લઘુ ગુરુ ,
ગુરુ ગુરુ લઘુ ગુરુ ગુરુ લઘુ ગુરુ.
આ ગોઠવણીમાં દરેક પંક્તિ સજ્જ થાય છે.
આ છંદમાં જ આપણા સૌનું જાણીતું ઉદાહરણ છે સરસ્વતીવંદના -
या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता
या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना ।
या ब्रह्माच्युत शंकरप्रभृतिभिर्देवैः सदा वन्दिता
सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा ॥
તેમ જ સૌ વૈષ્ણવોને અતિ પ્રિય પ્રાતઃસ્મરણ -
श्रीगोवर्धननाथपादयुगलं हैयंगवीनप्रियम्।
नित्यं श्री मधुराधिपं सुखकरं श्रीविट्ठलेशं मुदा॥
श्रीमद् द्वारवतीश गोकुलपति श्रीगोकुलेन्दुं विभुं ।
श्रीमन्मन्मथमोहनं नटवरं श्रीबालकृष्णं भजे ॥ ...
તદુપરાંત વિવાહપ્રસંગે ગવાતું મંગલાચરણ...
એ જ રીતે ગેય છે વર્ષાઋતુ વર્ણવતી પ્રસ્તુત કવિતા -
શ્રાવણ-ભાદો
(શાર્દુલવિક્રીડિત)
જો, તો! આ રસબિન્દુ વાદળ તણાં મોતી સમા શોભતાં!
વર્ષે છે નભથી અમી મન ભરી પૃથ્વીતૃષા વારવા.
ખેડૂતો પણ વાવણી ઝટ કરી, વન્દે કરો જોડતાં,
લ્હેરાવે ધન શીતલા તુ સુફલા માતા ધરા શ્યામલા!
વૃક્ષો રેલમછેલ નંદનવને ભીંજાય, લીલાં થતાં.
કો કન્યા સુકુમાર ગાન કરતી, હિંડોલમાં મ્હાલતી.
નાનાં બાળ જળે છપાક કરતાં દીસે હસી નાચતાં,
જાણે લાલન ગોપનાં જ રમતાં હો ગોકુલે કાનુડા!
સંતોષી ખગ મોર ચાતક ઘણાં, ને સૌ મૃગોને હવે
ના કો ચિંતન હો ક્ષુધા-તરસનું, ભંડાર છે ઘાસનાં.
દૃશ્યો શ્રાવણમાં સુભાદ્રપદમાં આવાં દિસે ભાવતાં,
ગુંજે સુસ્વરમાં ગણેશભજનો, ને કીર્તનો શ્યામનાં!
- ભૈરવીપરાગ
No comments:
Post a Comment